← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અંદાજે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બાની રસોઈની ડાયરી
મારા હાથમાં છે.

દાળ ઢોકળી:
લોટ — અંદાજે,
મીઠું — ચપટીક,
મરચું — જોઈતું હોય એટલું,
ગોળ — છોકરાંને ભાવે એટલો.

મેં બધું માપીને બનાવ્યું,
ગ્રામ, ચમચી, કપ…

પણ એ સ્વાદ ન આવ્યો.

હવે સમજાય છે,
બાના દરેક ‘અંદાજે’માં
એક વસ્તુ હંમેશાં ઉમેરાતી હતી —
જેનું કોઈ માપ જ નહોતું,
ને જે ડાયરીમાં
લખવાનું
એ ભૂલી ગઈ હતી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખબાપુનું પાકીટઆગલો લેખ →કાયાનો ચરખો