← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કાંઠે ચાલી છોરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નદીને કાંઠે ચાલી છોરી, માથે બેડું ઝૂલે જો,
પગલે પગલે રેતી બોલે, કાંઠે કરેણ ફૂલે જો.

ચણિયો એનો મોરપીંછિયો, ઓઢણી આભલાંવાળી,
હાથમાં કડલાં, કાને લોળિયાં, આંખે કાજળ-કાળી;
જળમાં જોયું મુખડું, ત્યાં તો માછલી પણ ભૂલે જો…
નદીને કાંઠે…

ગાયો ચરાવતો ગોવાળ ઊભો, વાંસળી એણે છેડી,
છોરી શરમાઈ ઝટ દોડી, ઝાંઝર ખણક્યાં કેડી;
બેડું છલક્યું, હૈયું છલક્યું, વાત વગડે ખૂલે જો…
નદીને કાંઠે…

પરાગ કહે: આ નદી, આ છોરી, બેઉ એક જ ધારા,
એક વહે ને ખેતર લીલાં, એક વહે ને ઘર સારાં;
બેઉ વિના આ ગામ અધૂરું, જાણે સૂનાં ઝૂલે જો…
નદીને કાંઠે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઓળખપત્રઆગલો લેખ →માનું ઘડિયાળ