ઝાકળનું ટીપું
જીવતર તો ઝાકળનું ટીપું, ને ઝાકળમાં સૂરજ,
પળમાં ઊડે, પળમાં ઝળકે, એ જ એનું અચરજ.
ઘડીક હસવું, ઘડીક રડવું, ઘડીક ઝૂલો ઝૂલવો,
ઘડીક ભાર ઉપાડી ચાલવું, ઘડીક ભાર ભૂલવો;
ઘડીક ધુમ્મસ ઘેરે, ને ઘડીક ખૂલે ધીરજ…
જીવતર તો…
માટીમાંથી ઊગ્યો દાણો, માટીમાં જઈ ભળશે,
વચ્ચે થોડી હરિયાળી, ને થોડાં ફૂલો ખીલશે;
એ ફૂલોની ફોરમ રહેશે ધરતીની રજ રજ…
જીવતર તો…
પરાગ કહે: ઝાકળને પૂછ્યું, ‘ડર નથી લાગતો?’
હસીને બોલ્યું: ‘ડર કોનો? હું તો સૂરજ ઝીલતો;
ઊડીને હું વાદળ થાઉં, એ જ મારી ફરજ…’
જીવતર તો…
– પરાગ રતનપરા