છે શબ્દનો
મૌન હળવું, ઘણો ભાર છે શબ્દનો,
તીરથી તીવ્ર તો વાર છે શબ્દનો.
કાળ પૂરે ભલે ઘાવ તલવારના,
ક્યાંય ના કોઈ ઉપચાર છે શબ્દનો.
‘જીવજે’ – કાનમાં ગુંજતું આજ પણ,
આજ પણ એ જ આધાર છે શબ્દનો.
ટ્રોલ થઈ, ગાળ થઈ, ફોનમાં ઝઘડતા,
ને નકામો જ ભંડાર છે શબ્દનો.
ફૂલ બોલ્યું નહીં, મ્હેક વેરી, ‘પરાગ’,
મૌન પણ એક શણગાર છે શબ્દનો.
– પરાગ રતનપરા
#ગઝલ #શબ્દ #મૌન #વાણી #માનાઆશીર્વાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #PowerOfWords #Silence #WoundingWords #Blessings #ParagRatanpara