જે આવે તે ઝીલીએ
સુખ આવે તો હસીએ, ભાઈ, દુઃખ આવે તો ગાઈએ,
ઉપરવાળો દોરી ખેંચે, આપણ નાચતાં જઈએ.
ઘડીક ઊંચે ઝૂલો લઈ જાય, ઘડીક નીચે લાવે,
ઝૂલો તો ઝૂલો જ કહેવાય, ભલે ગમે ત્યાં ફાવે;
ઊંચે જઈને ફુલાઈએ ના, નીચે ના ગભરાઈએ…
સુખ આવે તો હસીએ…
ભરી થાળી મળે તો ભલે, ખાલી મળે તો રોટલો,
મહેલ મળે તો મહેમાન, નહીં તો ઝૂંપડીનો ઓટલો;
જે મળ્યું એ પ્રસાદ ગણી, માથે ચડાવી લઈએ…
સુખ આવે તો હસીએ…
પરાગ કહે: ફૂલ ખીલે ત્યાં ખરવાની તૈયારી,
ખુશ્બૂ તોયે વહેતી રહે, એ જ એની ખુમારી;
જે ઘડી આજે હાથમાં, એને ભરી ભરીને જીવીએ…
સુખ આવે તો હસીએ…
– પરાગ રતનપરા