← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જમુના વહે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મોરપીંછ મેલીને તું દ્વારકા ગયો રે, કાન,
હવે મારી આંખોમાં જમુના વહે.

ગોરસ વેચવા જાઉં તો મટુકીમાં તું ડોકાય,
વાંસવનમાંથી વાયરો આવે, તારો સાદ સંભળાય;
લોક મને ‘રાધા’ કહીને બોલાવે, ને મારું મન તો ‘માધવ’ કહે…
હવે મારી આંખોમાં…

કદંબની ડાળ હજી ઝૂકીને પૂછે છે, ‘ક્યાં ગયો ગોવાળ?’
ગાયો ભાંભરે ગોંદરે ઊભી, સૂની પડી છે પાળ;
તારી વાંસળી વિનાનું ગોકુળ, કાના, મૂંગું મૂંગું રહે…
હવે મારી આંખોમાં…

પરાગ કહે: તેં રાજ લીધું ને રાધાએ લીધો વિજોગ,
સોનાની નગરી તને મળી, એને મળ્યો અમર જોગ;
દ્વારકાના દરિયા કરતાં ય ઊંડી વેદના રાધા સહે…
હવે મારી આંખોમાં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખબોરડીઆગલો લેખ →માળાના મણકે