હું ને તું
હું દીવો ને તું વાટ, સાજન, હું દીવો ને તું વાટ,
બેઉ બળીએ ત્યારે ઝળહળે આ ઘર-આંગણની ભાત.
હું પાણી ને તું ઘડૂલો, હું સૂર ને તું તાર,
તું વગર હું વહી જાઉં, હું વગર તું ખાલી ભાર;
એકબીજામાં ભળીએ ત્યારે ગાય આખી રાત…
હું દીવો ને તું વાટ…
હું આંગણ ને તું રંગોળી, હું ઝૂલો, તું ઝોલ,
રિસામણે પણ મીઠો લાગે તારો એક જ બોલ;
ઝઘડો પણ જ્યાં ઝાકળ જેવો, ઊગે ત્યાં પરભાત…
હું દીવો ને તું વાટ…
પરાગ કહે: ‘હું’ ‘તું’ ભૂંસીને જ્યાં ‘આપણ’ થઈ જાય,
ત્યાં જ સંસારની સાચી ગાથા, ત્યાં જ દીવો ગાય;
બે જણ મળીને એક બને, એ જ પ્રેમની જાત…
હું દીવો ને તું વાટ…
– પરાગ રતનપરા