વરસાદનાં ત્રણ ચિત્રો
(૧)
ઝૂંપડીના છાપરેથી
ટપકતું પાણી
મા વાસણમાં ઝીલે છે —
ટપ… ટપ… ટપ…
છોકરાં એને
સંગીત સમજીને
ઊંઘી જાય છે.
(૨)
ફ્લૅટની બાલ્કનીમાં
એક કૂંડું
આખું ચોમાસું
એકલું ભીંજાય છે;
ઘરમાં સૌ
એસીમાં બેસીને
વરસાદના ફોટા
અપલોડ કરે છે.
(૩)
ખેડૂતે
આકાશ સામે જોઈને
ફક્ત એટલું કહ્યું: ‘આવ્યો.’
એ એક શબ્દમાં
આખા વરસની
રોટલી હતી.
– પરાગ રતનપરા