હરિને ભજવા
હરિને ભજવા હિંમત જોઈએ, ના ચાલે ઢોંગ-ધતૂરા,
માથું મૂકીને ચાલે, એ જ પામે અંતે પૂરા.
ભગવાં પહેરી ભીખ માગે, એ ભગત નથી રે સાચો,
પરદુઃખે જે આંખ ભીંજવે, એનો હરિ સંગ નાતો;
કાયર તો અધવચ્ચે છોડે, રહી જાય અધૂરા.
હરિને ભજવા…
અહંકારનું માથું વાઢે, લોભની ગાંઠો તોડે,
માયાના મહેલો મૂકીને હરિ ભણી મુખ મોડે;
એવા વીર જ ગાય ભજન, બાકી સઘળા બેસૂરા.
હરિને ભજવા…
પરાગ કહે: ફૂલ ચડે છે ડાળ તજીને દેવે,
ખોવાનું જે જાણે, એ જ હરિને પામી લેવે;
હારી જાય એ જીતે, એવા મારગના સૌ શૂરા.
હરિને ભજવા…
– પરાગ રતનપરા