ઘૂઘરા
પારણે બાંધી, હસીને મા, રમાડ્યા ઘૂઘરા,
ગીત હાલાં ગાઈ, રાતે એ સુવાડ્યા ઘૂઘરા.
દીકરી મોટી બની, ગરબે રમી નવરાતમાં,
તાલ દઈ એણે ય પગથી ત્યાં વગાડ્યા ઘૂઘરા.
સાસરે ગઈ દીકરી, ને ઘર થયું સૂનું ઘણું,
બાપ જાગી રાતભર, એના જગાડ્યા ઘૂઘરા.
ઝેરનો પ્યાલો હતો રાણા તણો, તો પણ પછી
શ્યામનું લઈ નામ, મીરાંએ ઉપાડ્યા ઘૂઘરા.
જિંદગી બેતાલ છે, તો પણ ગઝલ ગાવા, જુઓ,
આ પરાગે શબ્દ-પગમાં ત્યાં ઉગાડ્યા ઘૂઘરા.
– પરાગ રતનપરા
#ગઝલ #દીકરી #મા #મીરાં #ગરબો #પરાગરતનપરા
#GujaratiGhazal #Daughter #FathersLove #Meera #Garba #ParagRatanpara