ઘટમાં ગોકુળ
મારા ઘટમાં ગોકુળ વસે, ને મનમાં વાગે વેણ,
હવે ક્યાં જાવું જાત્રાએ? મારા ઘરમાં જ વ્રજની રેણ.
સવારે ઊઠી આંગણું લીંપું, જાણે લીંપું ઘાટ,
તુલસીને જળ સીંચું, ત્યાં તો જમના જુએ વાટ;
ચૂલે મૂકું દૂધ, ને ઊભરે માખણ જેવાં વેણ…
મારા ઘટમાં ગોકુળ વસે…
ઘંટી ફેરવું ત્યાં ગોવર્ધન ફરતો મારે હાથ,
છાશ વલોવું ત્યાં તો લાગે રાસ રમે રઘુનાથ;
કામે કામે કાનજી બેઠો, ખોલી દીધાં નેણ…
મારા ઘટમાં ગોકુળ વસે…
પરાગ કહે: જેને ઘરનો ઉંબર થઈ જાય દ્વાર,
એને મંદિર-મંદિર ભટકી શું કરવો સંસાર?
શ્વાસે શ્વાસે શ્રીજી બોલે, એ જ અમારું લેણ…
મારા ઘટમાં ગોકુળ વસે…
– પરાગ રતનપરા