ફાગણ, ઝોળી ખોલ
ફાગણ રે, તારી ઝોળી ખોલ, મારે જોઈએ એક જ રંગ,
જે રંગે મારો સાયબો રંગાયો, એ જ ચડાવું અંગ.
ખાખરે ખાખરે કેસૂડો હસતો, આંબે આવ્યો મ્હોર,
કોયલ ટહુકે, ને ટહુકે ટહુકે ખેંચાય મનનો દોર;
મારે નથી રે ગુલાલની પડીકી, નથી અબીલનો સંગ…
ફાગણ રે…
વાડે ઊભો એ વાંસળી વગાડે, હું પાણીડાં ભરવા જાઉં,
બેડું છલકે ને આંખ્યું છલકે, કોને કહું શું થાઉં?
એની નજરની પિચકારીએ ભીંજાયું અંગેઅંગ…
ફાગણ રે…
પરાગ કહે: આ ફાગણ તો આવે ને ચાલ્યો જાય,
પણ જે રંગ ચડે હૈયે, એ કોઈ જળે ન ધોવાય;
કાપડનો રંગ ઊતરે, બેની, ના ઊતરે મનનો ઉમંગ…
ફાગણ રે…
– પરાગ રતનપરા