← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એક છત્રી ને આપણે બે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક છત્રી ને આપણે બે, ને વરસે ધોધમાર,
ભીંજાયા વિણ કેમ રહેવાય, સાજન, આ વેળા પાર?

તારે ખભે ટપક્યું ટીપું, મારે ગાલે ઝાકળ,
છત્રી નીચે બે ધબકારા, બહાર વીજનો ઝળહળ;
રસ્તો ટૂંકો લાગે, સાજન, ચાલ ને ધીમો ધીમો યાર…
એક છત્રી ને આપણે બે…

ખાબોચિયે તેં ઠેકડો માર્યો, છાંટા ઊડ્યા મુજ પર,
રીસ ચડાવી મેં મોં ફેરવ્યું, પણ હસ્યું મારું અંતર;
ગામ આખું જુએ બારીએથી, આપણે કોણ દરકાર…
એક છત્રી ને આપણે બે…

પરાગ કહે: ભલે છત્રી ઊડે, ભલે ભીંજાય કાયા,
એક જ છાપરે બે જીવ ભીંજે, એ જ પ્રીતની માયા;
ઈશ્વર, આ વરસાદ ન અટકે, એટલો કર ઉપકાર…
એક છત્રી ને આપણે બે, ને વરસે ધોધમાર.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખધરતીનો સાદઆગલો લેખ →પણ મળે