ડોશીમાની વસંત
આવી વસંત ને ડોશીમાનું મન મલકે રે,
દાંત વિનાના હોઠે આજે ગીતો છલકે રે.
ઓસરીએ બેઠાં બેઠાં સાંભરે પિયરની વાડી,
આંબાની ડાળે ઝૂલતી'તી, ઓઢી લાલ ચૂંદડી સાડી;
કોયલ ટહુકી ને સિત્તેરની આંખે સોળ વરસ ઝલકે રે…
આવી વસંત ને…
લાકડી મૂકી બાજુએ, ને ઊઠ્યાં ધીમે ધીમે,
ગલગોટાનું ફૂલ ખોસ્યું ધોળા વાળની સીમે;
પૌત્રી બોલી: ‘બા, તમે તો રૂપાળાં!’ — બા શરમે ને ઢળકે રે…
આવી વસંત ને…
પરાગ કહે: ઉંમર તો કાગળ પર લખેલો આંકડો,
વસંત તો ભીતર ખીલે, ભલે ને દેહ થાય વાંકડો;
જે હૈયે ફાગણ રાખે, એની કરચલીઓ પણ ચળકે રે…
આવી વસંત ને…
– પરાગ રતનપરા