ડેલી
ઓટલા, ચોપાટ, હોકો, ગામની ડેલી હતી,
સાંજ પડતાં ગોઠડીના નામની ડેલી હતી.
કોઈ પણ આવે પ્રવાસી, જાત પૂછાતી નહીં,
આવકારે ઊજળા એ ઠામની ડેલી હતી.
જાન આવી’તી અહીં, ઢોલે ઢબૂક્યું આંગણું,
તોરણોથી શોભતી કો ધામની ડેલી હતી.
આજ તો ખંડેરમાં તાળું, તિરાડે પીપળો,
બિલ્ડરોની આંખમાં બસ દામની ડેલી હતી.
આ ‘પરાગે’ સ્વપ્નમાં જોયું ફરી મધરાતમાં,
આરતી, ઝાલર, પ્રભાતે રામની ડેલી હતી.
– પરાગ રતનપરા
#ગઝલ #ડેલી #ગામ #જૂનુંઘર #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #AncestralHome #VillageLife #Nostalgia #LostHeritage #ParagRatanpara