મિત્રોની સાંજ
મિત્રો મળે છે
ત્યારે હું
કાંડેથી ઘડિયાળ ઉતારીને
ટેબલ પર
ઊંધી મૂકી દઉં છું.
ચાની કીટલી ત્રીજી વાર ભરાય,
જૂની મશ્કરીઓ ફરી નવી થાય,
કૉલેજની છેલ્લી બેન્ચ
અચાનક
આ ડ્રોઇંગરૂમમાં ગોઠવાઈ જાય.
છૂટા પડતી વેળા
સૌ કહે: ‘ફરી મળીશું.’
હું જાણું છું —
‘ફરી’
બહુ લાંબો શબ્દ છે.
એટલે
આજની સાંજ
આખેઆખી
ગજવામાં મૂકીને
ઘેર જાઉં છું.
– પરાગ રતનપરા