દીવાટાણું
દીવાટાણું થયું રે, સાયબા, હવે ઘેર વળો,
ગાયું વળી ગોંદરેથી, તમે ક્યાં રે ઢળો?
ધૂળની ડમરી ચડી ને ઘંટડીઓ રણકી,
ચૂલે મેલી રોટલી તે ફૂલી ફૂલી ઠણકી;
ખેતરને કહી દો હવે: ‘કાલે પાછા મળો…’
દીવાટાણું થયું રે…
વાછરડું ભાંભરે ને ખીલો રે ખખડે,
મારી આંખ્યુંનો દીવો ઝાંપા લગી ભટકે;
તમે આવો ને આ ગોખે દીવો થઈને બળો…
દીવાટાણું થયું રે…
પરાગ કહે: ખેતર તો કાલેય ફરી ઊગશે,
પણ ગઈ સાંજ પાછી કઈ કેડીએ પૂગશે?
ઝટ આવો, ને મારી સાંજમાં રે ભળો…
દીવાટાણું થયું રે…
– પરાગ રતનપરા