દીકરી, તું બોલજે
દીકરી, તું સાસરે જાય, તો બોલજે, મૂંગી ના રહેતી,
મારી જેમ આખી ઉંમર હૈયે ડૂમો ના સહેતી.
મને મારી માએ કીધું’તું: ‘ઓછું બોલજે, બેટા,’
મેં તો ગળી લીધી સૌ વાતો, ઝેર સમા ઘૂંટડા;
ચૂપ રહી તો ઘર ટક્યું, પણ હું તો તૂટતી રહેતી.
દીકરી, તું સાસરે…
મીઠું બોલજે, માન રાખજે, પણ ભૂલતી ના જાત,
તારા હૈયાની પણ કહેજે ઝીણી ઝીણી વાત;
ઘરમાં દીવો થઈને રહેજે, ના થઈ જાતી રેતી.
દીકરી, તું સાસરે…
પરાગ કહે: મા બોલી ત્યારે ઢોલ પણ થંભી ગ્યો,
વરસોથી ગળે ઊભો ડૂમો આંસુ થઈને વહ્યો;
દીકરી હસીને બોલી: ‘મા, હવે તું પણ બોલતી રહેતી.’
દીકરી, તું સાસરે…
– પરાગ રતનપરા