છુપાવે છે
વિદેશે દીકરો પૂછે, તરત પીડા છુપાવે છે,
હસીને ‘ઠીક છું, બેટા’, બધી ચિંતા છુપાવે છે.
દવાઓ ખાટલા નીચે, પથારી સાવ સરખી છે,
ઢળેલી આંખ, ને ઝાંખી પડી કાયા છુપાવે છે.
પડોશણને કહી રાખ્યું, ‘જરા મૂંગી રહેજે, હો’,
‘નકામો આવશે શું કામ?’ — ને આશા છુપાવે છે.
દિવાળીએ ઘરે દીવો કરીને, રાહ જોતી'તી,
‘ધુમાડો છે’ કહી, ભીની નયન-ધારા છુપાવે છે.
પરાગે પત્ર વાંચ્યો, તો હતું: ‘સુખમાં, ન ચિંતા કર’,
અને ધ્રૂજેલ અક્ષર પણ ઘણી ગાથા છુપાવે છે.
– પરાગ રતનપરા
#ગઝલ #મા #પરદેશ #એકલતા #માતૃપ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Mother #SonAbroad #LonelyParents #HiddenPain #ParagRatanpara