← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૬૪૬૬–૬૫૧૭

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૬૪૬૬.
બારણાં ખુલ્લાં હતાં, ને કોઈ પણ આવ્યું નહીં,
ઉંબરે બેસી હવાએ રાતભર વાતો કરી.

૬૪૬૭.
બાપનાં પગલાં હજી ખેતર મહીં દેખાય છે,
એ જ પગલાંમાં ઉગાડું રોજ હું તો રોટલો.

૬૪૬૮.
ચાંદ પણ ઝાંખો પડે છે, રાત પણ થાકી જતી,
તું નથી તો આ અમાસો કેટલી લાંબી થતી!

૬૪૬૯.
આંસુઓને સાચવીને રાખજે, ઓ આંખ, તું,
કોઈ સૂકું ઝાડ જોતાં કાલ રડવું પણ પડે.

૬૪૭૦.
દીકરીએ સાસરેથી ફોન કીધો: ‘ઠીક છું’,
ને પછી બાપે છુપાવ્યું, ઓરડો ભીનો થયો.

૬૪૭૧.
કાગડા ઊડી ગયા, ને ઓટલો સૂનો થયો,
ને હજી બા મૂકતી ત્યાં રોટલી, એ ટેવ છે.

૬૪૭૨.
આંગણે ચકલી હવે ના આવતી, શું કારણે?
આપણે તો કાચનાં જંગલ ઉગાડ્યાં આજકાલ.

૬૪૭૩.
બાળપણમાં એક મેળે હું ય ખોવાયો હતો,
આજ પણ ચકડોળ જેવો ગોળ હું ફરતો રહું.

૬૪૭૪.
સાવ નાની વાતમાં રૂઠી જતી’તી તું સદા,
ને મનાવાની મજા પણ રોજ મારી થઈ જતી.

૬૪૭૫.
એક ઘરડો વડ કપાયો, ને પછી સૌ સીમમાં
ઘર ગયાં પંખી તણાં, ને છાંયડા રડતા ફરે.

૬૪૭૬.
સાંજ પડતાં ગામ આખું ઝળહળે છે દીવડે,
ને નગરમાં રાતભર બત્તી, છતાં અંધાર છે.

૬૪૭૭.
લોક મારી હર ગઝલ પર દાદ દેતા’તા સદા,
ને ગઝલ આખી રડી, એ વાત કોણે સાંભળી?

૬૪૭૮.
આપણે સાથે હતાં, તો રણ ય લાગ્યું બાગ સમ,
આજ તું ના, તો હવે આ બાગ પણ રણ થઈ ગયો.

૬૪૭૯.
ભીંત પર દાદા હજી ચશ્માં ચડાવી તાકતા,
આજનું છાપું હજી જાણે ન વાંચ્યું હોય એમ.

૬૪૮૦.
ઊંઘ રૂઠી, સ્વપ્ન રૂઠ્યાં, રાતભર ખાલીપણું,
હું અને પંખો, બિચારા બેઉ ફરતા જાગતા.

૬૪૮૧.
દોડતી દરિયે મળી જે, એ નદી મીઠી હતી,
નામ પણ ખોયું અને ખારી બની ગઈ એ પછી.

૬૪૮૨.
નામ તારું રેત પર મેં આંગળીથી દોરિયું,
ને પછી મોજું હથેળી સાથ લઈ દરિયે ગયું.

૬૪૮૩.
આંખ જેની જોઈ મેં, એ આંખમાં હું ક્યાં હતો?
આયનો પણ પૂછતો કે ‘કોણ છે તું? બોલ તો!’

૬૪૮૪.
ખીચડી ને ઘી, ઉપર થોડું અથાણું બાજુમાં,
એ જ સ્વાદે આજ પણ ઘરની સુગંધો સાચવી.

૬૪૮૫.
જે ઘડી તું આવવાની હોય છે, બસ એ જ પળ
ઘર તણી ઘડિયાળ સૌ પણ ચાલતી ધીમે પગે.

૬૪૮૬.
મંદિરે મીઠાઈના ભગવાનને થાળો ઘણા,
બારણે બેઠો ભિખારી, એ ય ઈશ્વર ના હતો?

૬૪૮૭.
કોઈ પૂછે ‘કેમ છો?’ તો હું કહું છું: ‘મોજ છે’,
ને મજા પોતે ય પૂછે છે મને, ‘સાચું કહે?’

૬૪૮૮.
ગામ છોડીને ગયો, પણ ગામ ના છોડ્યું મને,
રોજ સપને પીપળાની ડાળ પર ઝૂલું હજી.

૬૪૮૯.
ફૂલ ખીલ્યાં, બાગ મ્હોર્યો, ને હવા પણ મ્હેકતી,
આ ‘પરાગે’ પાંદડે ઝીણી સહી મ્હેકે કરી.

૬૪૯૦.
પાંદડું ખરતું ગયું ને ડાળને બોલ્યું, ‘સુણો,
હું ખરું તો કાલ ડાળે ફૂટશે સૌ કૂંપળો.’

૬૪૯૧.
વૃદ્ધ બાપે લાકડી પર ભાર મૂક્યો, ને પછી
એ જ ડાળે બાળપણમાં બાપ હીંચ્યો’તો કદી.

૬૪૯૨.
આભમાંથી મેઘ ઝરતા, પણ ન ભીંજાયો જરા,
આંસુ તારું એક ખર્યું, ને બની ગ્યો હું નદી.

૬૪૯૩.
કોણ બોલ્યું કે સમય સૌ ઘાવ ભરતો હોય છે?
રોજ બસ પાટો બદલતો જાય છે, ઓ દોસ્ત, એ.

૬૪૯૪.
ઝાડ નીચે ખાટલો, ને બાપુનો હુક્કો હતો,
આજ પણ એ ઝાડ પૂછે: ‘ક્યાં ગયો મારો સખા?’

૬૪૯૫.
છોકરાં મોટાં થયાં, ને ઘર થયું નાનું હવે,
ઓરડા વધતા ગયા, ને સાંકડી થઈ ઓસરી.

૬૪૯૬.
જિંદગીભર જે કમાયો, એ બધું ઘરમાં જ છે,
હું ગયો, ને સાથ આવી બસ દુઆઓ સૌ તણી.

૬૪૯૭.
આયનામાં આજ જોયા બાપને, ચોંકી ગયો,
હું ય ક્યારે બાપ જેવો થઈ ગયો? ના સાંભરે.

૬૪૯૮.
એક ચકલી રોજ આવે, ચાંચ મારે કાચ પર,
કાચમાં એ જોઈ પોતાને જ, સમજે છે સખી.

૬૪૯૯.
ફૂલ ચૂંટ્યું એક, ને આખી હથેળી મ્હેકતી,
ફૂલ તો ખરતું ગયું, ને હાથમાં તો છે ‘પરાગ’.

૬૫૦૦.
દીકરો પરદેશમાં, ને દૂર ડૉલર ઝગમગે,
ને અહીં બા ઓટલે બેસી ગણે છે સાંજને.

૬૫૦૧.
આંગળી પકડી હતી જેણે, ચલાવ્યો’તો મને,
આજ એનો હાથ પકડી હું જ દોરું છું, જુઓ.

૬૫૦૨.
કેટલાં વરસો પછી હું ગામમાં પાછો ગયો,
કોઈ ના પૂછે મને, બસ પીપળો ખીલી ગયો.

૬૫૦૩.
ભૂખને ના નાત છે, ના ધર્મ છે, ના દેશ પણ,
રોટલી જ્યાં હોય, ત્યાં સૌ તીર્થ ભેગાં થાય છે.

૬૫૦૪.
ચાર દીવાલો, ઉપર છત, ને વચોવચ બા હતી,
ઘર થવાને આટલું બસ જોઈતું’તું, એ ઘડી.

૬૫૦૫.
રોજ છાપે ખૂન, ચોરી, ને વધારો ભાવનો,
આખરી પાને છપાયું: ‘ખુશ રહો સૌ’, વાહ રે!

૬૫૦૬.
આ ‘પરાગે’ ધૂળને ચૂમી હતી જે રાહમાં,
એ જ રસ્તે આજ ફૂલો ઊગતાં ત્યાં કેટલાં!

૬૫૦૭.
બંધ મુઠ્ઠીમાં હતું આકાશ આખું તે સમે,
આજ ખોલી, તો હથેળીમાં હતી રેખા ઘણી.

૬૫૦૮.
આંગણે તુલસી હતી, ને દીવડો ક્યારે હતો,
ફ્લેટમાં કૂંડું ય છે, ને બલ્બ ઝબકે રાતભર.

૬૫૦૯.
આ ‘પરાગે’ મંચ પરથી ભાષણો આપ્યાં નહીં,
ફૂલ માફક મૌન રાખી, મ્હેક વેરી છે સદા.

૬૫૧૦.
આપણે પાટા સમાં, સાથે જ ચાલ્યા જિંદગી,
તોય ભેગાં ના થયાં, એ વાત સમજાતી નથી.

૬૫૧૧.
આ ‘પરાગે’ જાત ઓગાળી હવામાં, મ્હેક થઈ,
લોક બોલ્યા: ‘બાગ કેવો મ્હેકતો છે આજકાલ!’

૬૫૧૨.
સાંજ ઢળતાં સૌ વિહંગો જાય પાછાં માળલે,
ને મજૂરો ફૂટપાથે ઘર બનાવે રાતનું.

૬૫૧૩.
આપણા સંબંધના ધાગા જરા ઢીલા થયા,
ને પતંગો ક્યાંક જઈ આકાશમાં ખોવાઈ ગ્યા.

૬૫૧૪.
આંખ મીંચી’તી જરા, ને બાળપણ સરકી ગયું,
આંખ ખોલી, ને મને ‘દાદા’ કહે છે બાળકો.

૬૫૧૫.
ફૂલ વેચ્યાં ચોકમાં, ને મ્હેક આપી મફતમાં,
આ ‘પરાગે’ જિંદગીભર વેપલો કીધો ખરો.

૬૫૧૬.
આ નદીના બે કિનારા, ને વચે પુલ એક છે,
આપણી વચ્ચે ય બાંધીએ, ચલો, એવો જ પુલ.

૬૫૧૭.
શ્યામ તો મથુરા ગયા, ને રાધિકા જમુના તટે,
વાંસળી મૂકી ગયા, ને સૂર સાથે લઈ ગયા.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખઆયનેઆગલો લેખ →છૂટા શેર ૬૫૧૮–૬૫૭૪