← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૩૯૯૧–૪૦૧૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૩૯૯૧.
જવાનીમાં હતાં સપનાં, બુઢાપે બસ રહી યાદો,
વચે જે આયખું વીત્યું, ન એની કોઈ ફરિયાદો.

૩૯૯૨.
‘પરાગે’ ફૂલને પૂછ્યું: ‘ખરે તો શું થશે તારું?’
હસીને ફૂલ બોલ્યું: ‘મ્હેક મારી તો હવામાં છે.’

૩૯૯૩.
ઝરૂખે મા હજી ઊભી, નજર રસ્તે ઢળેલી છે,
ગયો બેટો નગરમાં, ને નથી પાછો હજી આવ્યો.

૩૯૯૪.
કચેરીમાં ગયો અરજી ધરી, સાહેબ બોલ્યા કે:
‘તમારી ફાઇલો ઊંઘે, જગાડો તો ચડાવો દઈ.’

૩૯૯૫.
તમે આવ્યાં, અને ઘરમાં વસંતો સો ખિલી ઊઠી,
તમે ચાલ્યાં, પછી ઘરમાં રહી બસ પાનખર બારે.

૩૯૯૬.
બળદ વેચ્યા, ધરા વેચી, છતાં ના વ્યાજ ઊતરતું,
હવે ખેડૂતની આંખે તિરાડો ખેતરે જેવી.

૩૯૯૭.
અરીસો રોજ પૂછે છે, ‘હજી પણ એ જ છો કે ના?’
હસીને હું કહું છું: ‘એ ગયો મારા વતન સાથે.’

૩૯૯૮.
‘પરાગે’ જિંદગી આખી સુગંધો સાચવી રાખી,
પછી ખરતાં બધું વેરી, થયો હળવો, થયો ખાલી.

૩૯૯૯.
તિરંગામાં સુતો આવ્યો, ઝરૂખે મા ખડી ગર્વે,
રડી ના એ, હતો ભીનો કિનારો સાડલાનો બસ.

૪૦૦૦.
નગરમાં રાત જાગે છે, અને ઊંઘે સવારે સૌ,
હવે ઘડિયાળ ઊંધી છે, અને ઊંધાં બધાં સપનાં.

૪૦૦૧.
નદી પર ડેમ બાંધ્યો, ને ગયું ડૂબી અમારું ઘર,
હવે એ વીજળીથી ઝગમગે છે બંગલા દૂરે.

૪૦૦૨.
‘પરાગે’ બાગમાં દીઠું, હતાં સૌ ફૂલ પ્લાસ્ટિકનાં,
ન ખુશ્બૂ, ના ભ્રમર, બસ ધૂળ ખાતાં’તાં ઝરૂખામાં.

૪૦૦૩.
ગયા સૌ છોકરા શાળા, અને ભીખો ધુએ પ્યાલા,
ભણી લે છે ઘણું એ તો, ગરીબીના બધા પાઠો.

૪૦૦૪.
ગગનમાં ચાંદ દેખાયો, ગરીબોને દિસે રોટી,
અને કવિઓ ગઝલ લખતા, પ્રિયાનો એ ચહેરો, લ્યો.

૪૦૦૫.
અમે સાથે ઘણાં વર્ષો ઝઘડ્યાં ને મનાવ્યાં, ને
હવે ઝૂલો ઝુલે ખાલી, ન ઝઘડો કે મનાવાનું.

૪૦૦૬.
‘પરાગે’ મંચ પર ગાયું, બધે તાળી પડી ભારે,
પછી ઘરમાં ગયો તો શ્રીમતી બોલ્યાં: ‘દળી લાવો.’

૪૦૦૭.
સુદામાની ગરીબીને ગળે વળગી ગયો કાનો,
હવે મિત્રો ય પૂછે છે: ‘કમાણી કેટલી છે?’ લ્યો.

૪૦૦૮.
બરફ પડતો વિદેશે, ને ઝરૂખે સૂનકારો છે,
છતાં તડકો સ્મરણનો ગામનો ઓઢું સદા માથે.

૪૦૦૯.
ચડાવ્યો હાર સોનાનો, લખાવ્યું નામ તક્તીમાં,
છતાં ઝાંપે ભિખારીને મળી ના એક રોટી, લ્યો.

૪૦૧૦.
‘પરાગે’ શબ્દ વાવ્યા ત્યાં ઉગી ઝીણી ગઝલ લીલી,
ન પૂછો, કેટલી રાતો ઉજાગરની ભળી એમાં.

૪૦૧૧.
હવે ‘મમ્મા’ કહે બાળક, ગયો ‘બા’ શબ્દ ક્યાં ઊડી,
હવે કક્કો ય ભૂલાતો, ગવાતાં ગીત પણ ઓછાં.

૪૦૧૨.
હસું છું રોજ સૌ સાથે, હસાવું પણ ઘણાને હું,
છતાં ઓશીકડું જાણે, રડું છું કેટલું રાતે.

૪૦૧૩.
‘પરાગે’ પત્ર લખ્યો ઈશને સૌ દર્દનો, પણ ત્યાં
ટપાલી તો ગયો પાછો, નથી એ નામ ત્યાં ક્યાંયે.

૪૦૧૪.
તિજોરીમાં ઘણું સોનું, તિજોરીમાં ઘણાં નાણાં,
છતાં ના ઊંઘ આંખોમાં, ન મનને ચેન છે ક્યાંયે.

૪૦૧૫.
‘પરાગે’ જે કશું લખ્યું, તમારું છે, તમારું છે,
હૃદય પર હાથ મૂકી વાંચજો, એમાં પતો મારો.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૩૯૬૬–૩૯૯૦આગલો લેખ →છૂટા શેર ૪૦૧૬–૪૦૪૦