છૂટા શેર ૨૯૩૬–૨૯૮૦
૨૯૩૬.
અભણ બા હતી, તોય ભાષા હતી,
ન શબ્દો, છતાં વાત સઘળી થતી.
૨૯૩૭.
હવે ચૂંટણી છે, ઝુકે છે બધા,
પછી પાંચ વરસે જ દેખાય તો.
૨૯૩૮.
અષાઢી ઘટા આભમાં ઝૂકતી,
ધરા નવવધૂ જેમ સોળે સજી.
૨૯૩૯.
તમે સાથ હો તો વસંતો ફળે,
ન હો તો ગુલાબેય કાંટા મળે.
૨૯૪૦.
હવે ફોન વિણ ઊંઘ આવે નહીં,
પરોઢે ય પ્હેલાં નમન ફોનને.
૨૯૪૧.
પિતા જ્યાં ગયા, ત્યાં રહી પાઘડી,
અમે ના પહેરી, ન ફેંકી કદી.
૨૯૪૨.
હજી ડાળ પર વાંસળી સાંભળે,
ગયા શ્યામ, રાધા વગાડે હવે.
૨૯૪૩.
હતી આંખ ઝાંખી, હતા દાંત ના,
છતાં બાળ સંગે રમે બાળ શી.
૨૯૪૪.
હજી ગામમાં કોઈ ભૂખ્યું નથી,
પડોશે ઘરે રોટલો જાય છે.
૨૯૪૫.
મિનારા નગરના ગગનને અડે,
અને માણસો વામણા થઈ ગયા.
૨૯૪૬.
વતનથી ઘણે દૂર આવ્યા અમે,
છતાં સ્વપ્નમાં ગામ આવે સદા.
૨૯૪૭.
હતી ચોપડી, ને હતો મેહ પણ,
ગણિતનું પતું નાવડી થઈ ગયું.
૨૯૪૮.
સવારે ગયા ‘વૉક’ પર જોરથી,
પછી ગાંઠિયા ને જલેબી ખરી.
૨૯૪૯.
પરાગે સુગંધો વહેંચી બધે,
હવા જેમ, નામે ન ઓળખ કદી.
૨૯૫૦.
અરીસો કહે: ‘તું જ છે, તું જ છે,’
છતાં હું મને ક્યાંય ના ઓળખું.
૨૯૫૧.
ઠરેલી પરોઢે બળે તાપણું,
ભળે ગામ આખું, મળે સૌ સગું.
૨૯૫૨.
તરસ ગામની ફાઈલોમાં હતી,
ઘણાં પૂર આવ્યાં, પછી ‘હા’ મળી.
૨૯૫૩.
મરણ તો ગયું એક પળમાં, ભલે,
ઉમરભર ડરાવ્યા કરે ડર, ઘણું.
૨૯૫૪.
કબૂતર ન આવ્યું, ન કાગળ હતો,
છતાં ‘ઑન’ દેખાય છે તું સદા.
૨૯૫૫.
રસોડે સવારે ધુમાડો થતો,
હસીને જ બા આંખ લૂછે, હસે.
૨૯૫૬.
અચાનક બજારે સખો આવિયો,
ખભે હાથ મૂક્યો, બધું ઓગળે.
૨૯૫૭.
નચે જાન આખી, ધમાધમ ધમાલ,
અને વર ઉપર ધૂળ ઊડે બધી.
૨૯૫૮.
હટાવો ગરીબી, ઠરાવો થયા,
ગરીબો હટાવ્યા, ગરીબી રહી.
૨૯૫૯.
ચકીબેન આવે ન ઘરની કને,
હવે ટાવરોમાં ન ઠેકો મળે.
૨૯૬૦.
પરાગે નમાવ્યું ન માથું કશે,
તમારા જ દ્વારે ઝુકાવ્યું, ભલે.
૨૯૬૧.
હતો ‘સેલ’, સસ્તું ઘણું સૌ હતું,
પછી ભાન થ્યું: એક પણ કામનું?
૨૯૬૨.
અહં જ્યાં ગયો, ત્યાં ખુદા આવિયો,
ઘડો ફૂટતાં જળ નદી થઈ ગયું.
૨૯૬૩.
વિદાયે પિતાજી ન રોયા કદી,
પછી સ્નાનઘરમાં રુદન ગાજતું.
૨૯૬૪.
પડે મેહ ત્યાં છાપરું ઝૂરતું,
ગરીબી ઘરે મેઘ પણ બોજ છે.
૨૯૬૫.
હતા શત્રુ કાલે, થયા આજ ભાઈ,
બધો ખેલ ખુરશી તણો છે, ભલા.
૨૯૬૬.
પટારે હજી ઓઢણી બા તણી,
ઉઘાડું જરા, મ્હેકતું ઘર બને.
૨૯૬૭.
હજારો હતા ત્યાં, છતાં એકલો,
બધા ત્યાં સ્વયંના જ પડઘા સુણે.
૨૯૬૮.
વસંતે ફરી ગામ ખીલી ગયું,
અમે બંધ ફ્લેટે વસંતો ગણી.
૨૯૬૯.
પરાગે ગઝલ જ્યાં ઉજાળી જરા,
તિમિર સાવ ઓછું થયું ઓરડે.
૨૯૭૦.
વિકાસો થયા કાગળે ગામના,
છતાં ગામમાં ધૂળ ઊડે હજી.
૨૯૭૧.
તને જોઈ વરસાદ ધીમો થયો,
જરા એય થોભ્યો તને જોઈને.
૨૯૭૨.
નિશાળે જવામાં હતી બીક બહુ,
હવે ઑફિસે રોજ એ બીક છે.
૨૯૭૩.
શિરે ગંગ ને કંઠમાં ઝેર છે,
છતાં ભોળિયો નાચતો મોજમાં.
૨૯૭૪.
ઉગાડે ઘણું, તોય ભૂખ્યો રહે,
ધરાનો ધણી, આભનો આશરો.
૨૯૭૫.
તને ભૂલવા રોજ નક્કી કરું,
અને સાંજના એ જ ભૂલી જઉં.
૨૯૭૬.
બધી ચેનલે શોર, દંગલ, ધમાલ,
સમાચાર ક્યાં? બસ તમાશો હતો.
૨૯૭૭.
સમય રેત જેવો સરકતો રહે,
પકડ જેટલી, એટલો તે ખરે.
૨૯૭૮.
પિતાના ખભેથી જગત ઝૂલતું,
હવે એ ખભા ચાર કાંધે ગયા.
૨૯૭૯.
ઘરેથી ગયો’તો સવારે, ભલા,
ફસાયો હજી જામમાં રાતભર.
૨૯૮૦.
પરાગે ધરી જ્યાં કલમ હાથમાં,
હૃદયના બધા ઘાવ ફૂલો થયા.
– પરાગ રતનપરા