← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છત્રી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

છત્રી તો લીધી’તી હાથમાં, સાજન, પણ ખોલી નહીં,
આભ આખું ઊતર્યું ઓસરીએ, ને હું કંઈ બોલી નહીં…

ઝરમરિયું આવ્યું ને કાનમાં બોલ્યું, ‘ચાલ, જરા ભીંજાઈએ’,
નેવાંનાં ટીપાં પગલે પગલે ઝાંઝર થઈને ગાઈએ;
માએ સાદ દીધો ઘરમાંથી, તોય મારી પાની ડોલી નહીં…
છત્રી તો લીધી’તી…

વીજળી ચમકે, સાજન સાંભરે, ગાજે આખું ગામ,
ભીંજાતી હું ગલીએ ગલીએ, હોઠે તારું નામ;
લોક કહે ગાંડી, પણ મેં તો એકે વાત તોલી નહીં…
છત્રી તો લીધી’તી…

પરાગ કહે: જે છત્રી રાખે, એ તો કોરો જાય,
વરસાદને જે ઝીલે, એનું જ આયખું ભીંજાય;
ભીંજેલી એ ગાંઠ પછી મેં કદીયે ખોલી નહીં…
છત્રી તો લીધી’તી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખભાઈબંધઆગલો લેખ →ફોરવર્ડ