ફોરવર્ડ
ના ચકાસી, ના વિચારી, માહિતી છે ફોરવર્ડ,
પુષ્પ, સૂરજ ને ગુલાબો, લાગણી છે ફોરવર્ડ.
કોણ જાણે સત્ય શું છે, ના ખબર, ના જાણ છે,
ઝેર ઘોળેલી હજારો દુશ્મની છે ફોરવર્ડ.
ડૉક્ટરો છોડો, હવે તો બા ય ટિપ્સો મોકલે,
આદુનો કાઢો, ગિલોયે ખાતરી છે ફોરવર્ડ.
ગાલિબે લખ્યું નથી, તોયે છપાયું નામ ત્યાં,
કોઈ બીજાની લખેલી શાયરી છે ફોરવર્ડ.
આ પરાગે જે લખી’તી, નામ એનું ભૂંસતાં,
કોઈ નોધારા સમી એ જિંદગી છે ફોરવર્ડ.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #વૉટ્સઍપ #અફવા #ડિજિટલયુગ #પરાગરતનપરા
#GujaratiGhazal #WhatsAppUniversity #FakeNews #DigitalSatire #ForwardCulture #ParagRatanpara