ચેતી જા રે મનવા
ચેતી જા રે મનવા, તારા મનસૂબા છે કાચા,
રેતી ઉપર મહેલ ચણે, ને ગણે ઝરૂખા સાચા.
કાલે કરીશ, પરમ દિ’ કરીશ, કહી કહી દિ’ ખોયા,
ઘડિયાળના કાંટા સાથે વાળ બધા ધોળા થયા;
જે બોલ્યો તે કરી ન શક્યો, ઠાલા રહ્યા વાચા…
ચેતી જા રે મનવા…
સોનું ભેગું કરતો રહ્યો, ભેગો ન કર્યો ભાઈ,
ઊંચા ઊંચા ગઢ ચણ્યા, ને ઘરમાં પડી ખાઈ;
અંતે તો ચાર જણ ને એક ઝોળી, બાકી સૌ તમાશા…
ચેતી જા રે મનવા…
પરાગ કહે: આ શ્વાસ છે ઉછીના, પાછા દેવા પડશે,
હેતથી જીવી લે આજે, કાલ કોને જડશે?
નામ હરિનું એક જ સાથી, બાકી સાથ સૌ કાચા…
ચેતી જા રે મનવા…
– પરાગ રતનપરા