← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચપટી મીઠું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચપટી મીઠું ઉપાડ્યું ને ધ્રૂજ્યું આખું રાજ રે,
દાંડીને દરિયે ગાંધીએ વાળી દીધી લાજ રે.

હાથમાં લાકડી, પગમાં ચંપલ, પોતડી ને એક ચાદર,
પાછળ ચાલ્યા લાખ લાખ જણ, ના ડર, ના કોઈ આદર;
રસ્તે રસ્તે ગામ ઊમટ્યાં, ગાજ્યો એક અવાજ રે…
દાંડીને દરિયે…

ના તલવાર, ના તોપ-બંદૂક, ના કોઈ ઝેરી વાણી,
સાચ તણું એક હથિયાર ને આંખમાં ભીનું પાણી;
મીઠું કરમાં, મીઠું બોલે, એવો ફકીર મહારાજ રે…
દાંડીને દરિયે…

પરાગ કહે: આજે મીઠું તો પૅકેટમાં વેચાય,
‘આયોડાઇઝ્ડ’ ને ‘બ્રાન્ડેડ’ થઈને મોંઘું મોંઘું થાય;
પણ સાચ તણી એ ચપટી ક્યાં છે? ખોળે છે સૌ આજ રે…
દાંડીને દરિયે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપ્રસાદઆગલો લેખ →બાંકડો