← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બાંકડો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બગીચાના ખૂણે
એક બાંકડો.
રોજ સાંજે
બે વૃદ્ધ.

એક છાપું વાંચે,
બીજો સાંભળે.
એક ઘૂંટણ પંપાળે,
બીજો દવાની વાત કરે.
દીકરાઓની વાત
બંને ટાળે.

વરસો સુધી આમ જ.

એક સાંજે
બાંકડા પર
એક જ વૃદ્ધ હતો.
છાપું વાળેલું પડ્યું હતું,
ને એ
બાજુની ખાલી જગ્યા પર
ધીમે ધીમે
હાથ ફેરવતો હતો —
જાણે
કોઈની હથેળી
હજી ત્યાં ગરમ હોય.

બીજે દિવસથી
એ પણ ન આવ્યો.

હવે બાંકડા પર
રોજ સાંજે
બે ખરેલાં પાંદડાં
બેસે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખચપટી મીઠુંઆગલો લેખ →સખા