← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચમત્કાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મેદાનમાં મંડપ છે,
લાઉડસ્પીકર છે,
ને મંચ પર બાબા.

બાબા હવામાં હાથ ફેરવે છે,
ને હથેળીમાંથી ભભૂત ખરે છે.
લોકો ‘જય હો!’ના નારા લગાવે છે,
ચરણમાં નોટો મૂકે છે.

મંડપની બહાર
એક ખેડૂત
સુકાયેલા ખેતરમાં
ખાતર વેરી રહ્યો છે.

એની મુઠ્ઠીમાંથી
કશું ચમકતું નથી,
કોઈ નારા લગાવતું નથી.

ચાર મહિના પછી
એ જ મુઠ્ઠીમાંથી
ઘઉંની સોનેરી ડૂંડીઓ ખરશે —
ને બાબાના ભક્તો
એ જ ઘઉંની રોટલી ખાઈને
ફરી નીકળશે
ચમત્કાર જોવા.

– પરાગ રતનપરા

અછાંદસવ્યંગ
← પહેલો લેખસુગંધઆગલો લેખ →કવિની ઘરવાળી