ભીખાકાકાનો ભૂસકો
ભીખાકાકા ભૂસકો મારે, ગામ આખું ગાજે,
‘તરતાં આવડે?’ પૂછ્યું, ત્યાં તો બોલ્યા: ‘શીખું આજે!’
મૂછે વળ દઈ ધોતી બાંધી, પહોંચ્યા નદી કાંઠે,
છોકરાં તાળી પાડે, ડોશી મોઢું ઢાંકે સાડીના આંટે;
ધૂબાક કરતાં પડ્યા પાણીમાં, પરપોટા જ બિરાજે…
ભીખાકાકા ભૂસકો મારે…
માછીમારે જાળ નાખીને કાઢ્યા બહાર, ભાઈ,
સાથે આવ્યાં બે કરચલાં ને એક જૂની રજાઈ!
ગામ કહે: ‘કાકા, ચૅમ્પિયન!’ કાકા બોલ્યા: ‘હા, સાચે!’
ભીખાકાકા ભૂસકો મારે…
પરાગ કહે: જે ડૂબકી મારે, એ જ મોતી લાવે,
ભલે કરચલાં હાથ ચડે, પણ હિંમત તો કહેવાવે;
કાંઠે બેસી શેખી મારે, એ તો ખાલી ગાજે…
ભીખાકાકા ભૂસકો મારે…
– પરાગ રતનપરા