ભાગોળે મા
કસુંબલ સાંજ ને ગોરજ વેળા, ગાયો પાછી વળતી,
મારા ગામની ભાગોળે મા દીવો લઈને મળતી.
ચોરે બેઠા દાદા ગાતા દુહા ને લોકગીત,
પનિહારીનાં બેડાં વચ્ચે ઝણકે ઝાંઝર-પ્રીત;
કૂવાકાંઠે સહિયર સાથે વાતો ખળખળ ખળતી.
કસુંબલ સાંજ…
આંબે ઝૂલે હીંચકા, ને ખળે ઊડે ભૂસું,
મહેમાન આવે તો આખું ફળિયું આવે, પૂછું શું?
કાંસાની થાળીમાં ઘી-ગોળ ને બાજરી ભરપૂર મળતી.
કસુંબલ સાંજ…
પરાગ કહે: હવે ગામ તો ઊભું ખાલી ખાલી,
જુવાન સઘળા નગરે ચાલ્યા, રહી ગઈ ખાટલી ને થાળી;
ભાગોળે હજી મા ઊભી છે, આંખે દીવો બળતી.
કસુંબલ સાંજ…
– પરાગ રતનપરા