← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બે ભૂરાં ટિક

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બે ભૂરાં ટિક થઈ ગયાં ને જવાબ નહીં રે આવ્યો,
સખી, મારા સંદેશાએ આખી રાત જગાવ્યો.

‘ટાઇપિંગ…’ દેખાય ઘડીમાં, ઘડીમાં પાછું ભૂંસાય,
હૈયું ધક ધક, જાણે ગાડી ઊપડી ને અટકાય;
સો સો વાર મેં ફોન ઉઘાડ્યો, સો સો વાર મેં મૂક્યો,
ચાર્જર જેવો જીવ બિચારો ખૂણે જઈને ઝૂક્યો…
બે ભૂરાં ટિક…

‘લાસ્ટ સીન’ જોઉં રાતે બે, ને ત્રણ ને વાગ્યા ચાર,
ઑનલાઇન તો દેખાય, પણ ક્યાં છે મારો વિચાર?
સ્ટેટસમાં તો ગીત મૂક્યું છે ‘દિલ તો પાગલ છે’,
મારા ‘હાય’નો ઉત્તર ના, ને દુનિયા સાથે ગપ્પાં છે!
બે ભૂરાં ટિક…

પરાગ કહે: પેલા જૂના કાગળ મહિને મહિને આવે,
તોય હૈયું ધીરજ રાખી હસતું, ગીતો ગાવે;
હવે ક્ષણનું મૌન ય લાગે જાણે આખો જનમારો,
આંગળીએ તો પ્રેમ પહોંચ્યો, હૈયે ક્યાં ઉતારો?
બે ભૂરાં ટિક…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખલાલ પેટીઆગલો લેખ →ઓરડો