બળતણ
વહેલી સવારે
ગામની સ્ત્રીઓ
ડુંગરે બળતણ વીણવા જાય છે.
માથે ભારો,
પગમાં કાંટા,
કેડે બાળક,
ને હોઠ પર
એક જૂનું લોકગીત.
ભારો ભારે છે,
પણ ગીત એને
હળવો કરે છે.
સાંજે
એ જ લાકડાં
ચૂલામાં બળે છે,
રોટલા શેકાય છે,
ઘર જમે છે.
કોઈ નથી પૂછતું
કે ભારો કોણ લાવ્યું.
પણ ચૂલાની ઝાળમાં
ક્યારેક
એ લોકગીત
તતડે છે.
– પરાગ રતનપરા