બાપુ છત્રી જેવા
બાપુ મારા છત્રી જેવા, માથે રાખે છાંય,
પોતે પલળે ધોધમાર, ને અમને પલળવા ન દે ક્યાંય.
ફાટેલી બંડી પહેરીને દફતર નવું લાવે,
પોતે ચાલે ઉઘાડા પગ, મને બૂટ નવા અપાવે;
હાથ ખરબચડા, હૈયું રેશમ, ભીની એની બાંય…
બાપુ મારા છત્રી જેવા…
ઓછું બોલે, ઝાઝું વેઠે, કદી ન કહે ‘થાક્યો’,
દિવાળીએ સૌને નવાં, પોતે જૂનો ઝભ્ભો રાખ્યો;
ઘરનું આખું આભ ઉપાડે, ઝૂકે નહીં એ ક્યાંય…
બાપુ મારા છત્રી જેવા…
પરાગ કહે: હવે બાપુ ઘરડા, વારો મારો આવ્યો,
હું છત્રી ધરું તો પૂછે: ‘બેટા, તું તો નથી ને નાહ્યો?’
છત્રી બદલાઈ, હાથ બદલાયા, વહાલ ન બદલાય ક્યાંય…
બાપુ મારા છત્રી જેવા…
– પરાગ રતનપરા