બા, હવે આરામ
બા, હવે તું થાકી, ઝાઝું ન કર રે કામ,
ઓસરીએ બેસ જરા, લે ને જરા આરામ.
પરોઢિયે ઊઠી તેં તો ઘંટી ફેરવી ગાતી,
છાણ-વાસીદું, પાણી, રોટલા — તોય તું ના થાતી;
હવે ઘૂંટણ દુઃખે, તોય તું માગે ના વિરામ…
બા, હવે તું થાકી…
અમે મોટા થઈ ગયા, ને શહેરે જઈ વસિયા,
ફોને પૂછીએ: ‘બા, મજામાં?’ ને તું કહે: ‘હા’, હસિયા;
તારી ‘હા’માં સંતાયાં કેટલાં ડૂસકાં ને ડામ…
બા, હવે તું થાકી…
પરાગ કહે: ચાલ, આજે હું રોટલી ટીપું,
તું બેસીને જો ને હસ, તારું હેત હું ઝીલું;
તારી કરચલીઓમાં વાંચું ચારેય ધામ…
બા, હવે તું થાકી…
– પરાગ રતનપરા