← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અજવાસના ઘોડા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હૉસ્પિટલના
ચોથા માળે
દાદીની અડધી ખુલ્લી આંખોમાં
હવે
કોઈ ઘોડા દોડતા નથી.

એક જમાનામાં
એ આંખો
આખા ગામની ખબર રાખતી —
કોણ મોડું આવ્યું,
કોની ભેંસ વિયાઈ,
કોની દીકરી રડતી ગઈ.

હવે
એ છત પરનો પંખો
ગણ્યા કરે છે.

પણ ગઈ કાલે
મેં કાનમાં કહ્યું:
‘દાદી, તમારી પરપૌત્રી આવી છે.’

ને એ અડધી ખુલ્લી આંખોમાં
એક ક્ષણ માટે
કોઈ સફેદ ઘોડો
હણહણ્યો,
દોડ્યો,
ને ગામના પાદર સુધી જઈ
પાછો આવી ગયો.

ડૉક્ટરે કહ્યું:
‘રિફ્લેક્સ છે.’

હું જાણું છું
એ શું હતું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખક્યાં રમી આવ્યા?આગલો લેખ →છૂટા શેર ૨૮૬૬–૨૯૩૫