આવજે તો આમ
આવજે તો આમ આવજે, વાલમ, ના આવજે ઠાઠમાઠ,
ઘોડે નહીં, ગાડે નહીં, આવજે ખુલ્લે પગે વાટ.
વરસાદ થઈને આવજે, મારી સુક્કી ઓસરી ભીંજાય,
ટહુકો થઈને આવજે, મારી સૂની ડાળી ગાય;
હાથમાં કંઈ લાવીશ ના, બસ લાવજે થોડો સાથ…
આવજે તો આમ…
હીરા-મોતી ના જોઈએ, ના જોઈએ સોનાનો હાર,
સાંજે ચૂલે બે રોટલા, ને વાતોનો વિસ્તાર;
ખાટલે બેસી ગણશું તારા, લંબાવીશું રાત…
આવજે તો આમ…
પરાગ કહે: જે ઠાઠે આવે, ઠાઠે પાછો જાય,
સાદો આવે સાથી એ તો જીવતર લગ રોકાય;
મ્હેક સરીખો આવજે, વાલમ, ઘર ભરજે દિનરાત…
આવજે તો આમ…
– પરાગ રતનપરા