← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આજ તો વરસે મેહુલો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આજ તો વરસે મેહુલો, મારું મનડું ચડ્યું ચકડોળે,
ફાઈલ ભીની, કાગળ ભીના, ને હૈયું હિલોળે.

બૉસનો ફોન આવે તો કહેજો — રસ્તે નદીઓ વહેતી,
ગરમ ભજિયાં, આદુની ચા, ને બારી પાસે બેઠી સહેલી;
મીટિંગ-બીટિંગ કાલે રાખો, આજ તો મનડું ડોળે…
આજ તો વરસે…

ખાબોચિયાંમાં હોડી તરે, બાળપણ પાછું આવે,
ભીની માટીની મ્હેક મને દાદાના ખેતરે લાવે;
મોર ટહુકે, વીજ ઝબૂકે, ગામ આખું ઝબકોળે…
આજ તો વરસે…

પરાગ કહે: આ વરસાદ નથી રે, આ તો રજાનો કાગળ,
આભે સહી કરીને મોકલ્યો, વાંચી લેજો આગળ;
એક દિવસ તો જાતને આપો, ચિંતા ચામાં ઘોળે…
આજ તો વરસે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસાક્ષી છેઆગલો લેખ →ઘાટ પર દીવા