આ નભ નમ્યું તે શ્યામ
આ નભ નમ્યું તે શ્યામ, ને ધરતી ઝૂકી તે રાધા,
વચ્ચે વરસે જે ઝરમર, એ પ્રેમની અમરત-ગાથા.
જમના જળમાં ચાંદ તર્યો, તે શ્યામનું મોરપીંછું,
રાધાએ ઓઢ્યું આકાશ, ને લજવાયું પાણી નીચું;
કદમની ડાળે પવન ઝૂલે, વેણુ વાગે આઘા…
આ નભ નમ્યું…
ગાય ચરે તે ગોકુળ, ને માખણ ઢળે તે માયા,
સાંજ પડે ને ગામ જુએ, ત્યાં રાધા-શ્યામ પડછાયા;
એક બીજામાં ઓગળીને, બન્યાં બેઉ એક ગાથા…
આ નભ નમ્યું…
પરાગ કહે: આ કુદરત આખી કાના-રાધા ગાય,
ફૂલે ફૂલે રાસ રમે, ને ઝરણે વેણુ વાય;
જે આંખે આ લીલા દીઠી, એના ટળે સૌ બાધા…
આ નભ નમ્યું…
– પરાગ રતનપરા