← મુખપૃષ્ઠ · જીવન અને આત્મચિંતન · વિચારનાં હથિયાર

બેન્કરનો વિરોધાભાસ

ઓક્ટોબર ૨૦૨૬નિબંધમૂળ આવૃત્તિપ્રકરણ ૧૮૧

બેન્ક ક્યારેય જરૂરિયાતમંદને ઉધાર આપતી નથી. જેને રૂપિયાની સખત જરૂર છે, જેનું ઘર ચાલે તેમ નથી, તેને મેનેજર દરવાજો બતાવી દેશે. બેન્ક લોન માત્ર તેને જ આપશે જેને પૈસાની લિલિપોટ જરૂર નથી. જેની પાસે અઢળક મિલકત છે, સિક્યોરિટી આપવા સોનું છે, તેને ઘેર બેઠાં ક્રેડિટ કાર્ડ અને લોન ઓફર કરવામાં આવે છે. આ વ્યવહારિક જગતનો ક્રૂર નિયમ છે: સહાય ત્યાં જ ઢળે છે જ્યાં પહેલેથી વિપુલતા છે. જ્યાં જોખમ સૌથી વધુ છે, ત્યાં મદદના દરવાજા કાયમ માટે બંધ થઈ જાય છે.

આ વિચારણાને ઉત્ક્રાંતિ મનોવિજ્ઞાનમાં જ્હોન ટૂબી અને લીડા કોસ્માઇડ્સે ૧૯૯૬માં બેન્કર્સ પેરાડોક્સ તરીકે ઓળખાવી. પ્રશ્ન એ હતો કે આદિમાનવના કાળમાં જ્યારે કોઈ બીમાર કે લાચાર બને, ત્યારે બીજા લોકોએ તેને સાથ આપવો જોઈએ કે નહીં? જેને તમારી મદદની સૌથી વધુ જરૂર છે, તે કદાચ ક્યારેય સાજો થઈને તમારું ઋણ ચૂકવી શકવાનો નથી. એટલે સ્વાર્થી ગણતરી એમ કહે છે કે લાચારને મરવા દો અને તાકાતવાન સાથે જ ભાઈબંધી રાખો. સમાજ આજે પણ આ જ આદિમ ત્રાજવે તોલાય છે.

કોટા કે અમદાવાદના મોટા ટ્યુશન ક્લાસીસ આ વિરોધાભાસનું ઉત્તમ મેદાન છે. કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો સૌથી વધુ ધ્યાન, શ્રેષ્ઠ ફેકલ્ટી અને મફત પર્સનલ ગાઇડન્સ કોને આપે છે? જે છોકરો દસમા ધોરણમાં ૯૮ ટકા લાવ્યો છે તેને. જેને ખરેખર શિક્ષકની, સમજાવટની કે ધીરજની તાતી જરૂર છે, એ પચાસ-સાઠ ટકાવાળા સામાન્ય વિદ્યાર્થીને પાછલી બેંચ પર બેસાડી દેવામાં આવે છે. તેના મા-બાપ પાસેથી પૂરી ફી ખંખેરી લેવાય છે, પણ સંસાધનો રેડવામાં આવે છે પેલા હોશિયાર પર. કારણ સ્પષ્ટ છે: પેલો ટોપર આવતી કાલે બોર્ડમાં રેન્ક લાવીને હોર્ડિંગ્સ પર ક્લાસનું નામ ચમકાવશે.

આ વિરોધાભાસ જીવનના દરેક વળાંકે સામો મળે છે. જ્યારે તમે ડૂબતા હો ત્યારે દુનિયા કિનારે ઊભા રહીને તમારો તમાશો જોશે. તમે જે ક્ષણે તમારી જાતે તરીને કાંઠે આવશો, એ જ ક્ષણે પચાસ લોકો તમને હાથ પકડીને બહાર ખેંચવા લાઇન લગાવશે.

જગતમાં છત્રી હંમેશાં તેને જ મફત મળે છે, જેની પાસે વરસાદથી બચવા પહેલેથી મોટરકાર ઊભી છે.

વિચારનાં હથિયાર
← પહેલું પ્રકરણસદ્ભાવનાની બેંકઆગલું પ્રકરણ →બેંકિંગ મોડેલ ઓફ એજ્યુકેશન