વિરામચિહ્નો
જિંદગીના વાક્યમાં તું એક અલ્પવિરામ છે,
તું મળે તો શ્વાસને પળભર જરા આરામ છે.
અન્યનાં વચનો સદા મેં અવતરણમાં રાખિયાં,
વાત મારી ક્યાં? અરે, એ તો સદા ગુમનામ છે.
મા લખું ત્યાં કલમ અટકે, આંખ ભીની થાય છે,
એક અક્ષરમાં સમાયું સર્વ તીરથધામ છે.
રોજ છેક્યું, રોજ લખ્યું, ભૂલ પણ ભૂંસી ઘણી,
તોય જીવનની કથામાં ક્યાં કશો અંજામ છે?
આખરી પાનું ભલે આવે, ન ગભરાતો ‘પરાગ’,
ફૂલનું ખરવું ય તો બસ એક પૂર્ણવિરામ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #જિંદગીનુંવાક્ય #મા #શબ્દ #વિરામ #પરાગરતનપરા
#GujaratiGhazal #GrammarOfLife #Punctuation #Mother #Words #ParagRatanpara