વેઇટિંગ રૂમ
હૉસ્પિટલના
વેઇટિંગ રૂમમાં
ઘડિયાળ સૌથી ધીમી ચાલે છે.
કોઈ પ્રાર્થના કરે છે,
કોઈ ફોન પર ઢીલા અવાજે
‘હજી કંઈ કહેવાય નહીં’ કહે છે,
કોઈ ચોથી વાર
ચા પીવા જાય છે,
ને પાછો આવી
એ જ ખુરસીમાં બેસે છે.
અહીં કોઈ કોઈને ઓળખતું નથી,
છતાં સૌ
એકમેકની આંખમાં
પોતાનો ડર ઓળખે છે.
ઑપરેશન થિયેટરનો લાલ દીવો
બંધ થાય છે.
ડૉક્ટર બહાર આવે છે.
આખો ઓરડો
શ્વાસ રોકી દે છે —
જાણે કાળ પણ
એ જ ખુરસીમાં બેસી
જવાબની રાહ જોતો હોય.
– પરાગ રતનપરા