વરસાદ પછી
વરસાદ ગયો.
વગડો
હજી
ભીના વાળ ઝાટકતી
કોઈ છોકરી જેવો ઊભો છે.
પાંદડે પાંદડે
ટીપાં
સંતાકૂકડી રમે છે,
ને કેડી
કાદવમાં
પોતાનાં જ પગલાં શોધે છે.
દરેક ખાબોચિયામાં
એક એક આકાશ
પડ્યું છે —
જાણે વાદળ
જતાં જતાં
પોતાના અરીસા
ભૂલી ગયાં હોય.
ને એક ચકલી
એ અરીસામાં ચાંચ બોળીને
આખું આકાશ
પી જાય છે.
– પરાગ રતનપરા