વહેંચાયું
પિતા ગ્યા ને પછી આ ઘર, અને ભાણું વહેંચાયું,
જમાતું એક ચૂલે, એ હવે ટાણું વહેંચાયું.
થયાં ઘર બે, છતાં વરસાદ નેવે એક સાથે છે,
અમારું ભાગ્ય કે આજે છતે કાણું વહેંચાયું.
ઘરે આવી બહેની, ને જરા ઊભી, પછી ઝૂરી,
ખબર ક્યાં, કે પિયરનું પણ હવે આણું વહેંચાયું.
ગણી ચાંદી, ગણી ગાયો, ગણી વાડી, ગણી ભેંસો,
નિસાસા ના ગણાયા, ને બધું નાણું વહેંચાયું.
પરાગે ગીત ગાયું’તું બધા ભેગા મળી સાથે,
હવે બે ઓરડામાં સૂર, ને ગાણું વહેંચાયું.
– પરાગ રતનપરા
#ગઝલ #ભાગલા #સંયુક્તકુટુંબ #ઘર #ભાઈઓ #પરાગરતનપરા
#GujaratiGhazal #FamilyPartition #AncestralHome #Brothers #DividedHearts #ParagRatanpara