વાઈ-ફાઈ
ઘરમાં
પાંચ માણસ,
પાંચ ફોન,
એક વાઈ-ફાઈ.
જમવાનું તૈયાર થયું
તો બાએ
ફૅમિલી ગ્રૂપમાં મેસેજ મૂક્યો:
‘થાળી પીરસી છે.’
ત્રણ જણે ‘લાઈક’ કર્યું,
એકે અંગૂઠો મોકલ્યો,
એક તો ‘ઑનલાઈન’ જ નહોતો.
રાતે વાઈ-ફાઈ બગડ્યું.
પહેલી વાર
આખું ઘર
એક જ ઓરડામાં ભેગું થયું —
ને સૌએ શોધી કાઢ્યું
કે દાદાજી
હજી જીવે છે,
ને વાર્તા પણ કહે છે.
– પરાગ રતનપરા