વાદળિયા રે
વાદળિયા રે, તું તો ઢોળે શહેરના ધાબે નીર,
અમારું ખેતર તરસ્યું ઊભું, તને નથી રે પીર?
ગાજે ઘણો ને વરસે થોડો, જાણે નેતાનું ભાષણ,
ધરતી ફાટી, ઢોર ભાંભરે, ખાલી પડ્યું છે વાસણ;
બાપુ બેઠા આભ નિહાળે, આંખે ખૂટ્યું ધીર…
વાદળિયા રે…
શહેરના સ્વિમિંગપુલમાં તેં તો મન મૂકીને ઢોળ્યું,
અમારે કૂવે ડોલ નાખી તો કાદવ ઊંચું ખોળ્યું;
ઢળતી સાંજે ઢૂંઢે માડી, ક્યાંય નથી રે સીર…
વાદળિયા રે…
પરાગ કહે: આ વાદળ તો રે ભોળું, એનો વાંક શો?
જંગલ કાપ્યાં આપણે, ને પાછા માગીએ છાંયડો;
ઝાડ વાવજે, વીરા, તો આભ ફરી વરસાવે ખીર…
વાદળિયા રે…
– પરાગ રતનપરા