ઉત્સવ
ઓસરીએ ચા ઉકાળી, ભોરનો ઉત્સવ થયો,
મેહ ગાજ્યો, ને ગગનમાં મોરનો ઉત્સવ થયો.
આંગળી છોલાઈ, તો પણ પેચ જીત્યો આજ તો,
ગામના આકાશમાં તો દોરનો ઉત્સવ થયો.
એમણે પાલવ દબાવ્યો દાંતમાં શરમાઈને,
એ જ પળ, એ સાડલાની કોરનો ઉત્સવ થયો.
ઢોલ, ડીજે ને ફટાકા, ઊંઘ સૌની છીનવી,
ભક્તિ ક્યાં? બસ ભક્તના આ શોરનો ઉત્સવ થયો.
સાંજ ટાણે ઘંટડીઓ ગાજતી પાદર ભણી,
આ પરાગે ગીત ગાયું, ઢોરનો ઉત્સવ થયો.
– પરાગ રતનપરા
#ગઝલ #ઉત્સવ #નાનીખુશી #ગામ #ક્ષણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Celebration #SmallJoys #VillageLife #ThisMoment #ParagRatanpara