← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઉંબરો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દાદીને
ઉંબરો બતાવવામાં આવ્યો હતો:
‘અહીં સુધી.’

માને
ઉંબરો બતાવવામાં આવ્યો હતો:
‘અહીં સુધી, પણ ક્યારેક શાક લેવા બજાર સુધી.’

મારી દીકરીએ
ગઈ કાલે
ઉંબરા પર ઊભા રહીને
મને પૂછ્યું:
‘પપ્પા, આ લાકડું
અહીં શા માટે છે?
રોજ ઠેસ વાગે છે.’

મારી પાસે
જવાબ નહોતો.

આજે સવારે
સુથારને બોલાવ્યો છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસમજાતું નથીઆગલો લેખ →ઇશારો દે મને