તું નથી
ઓરડો, ઓસરી, આંગણું, તું નથી,
ખટખટે રાતભર બારણું, તું નથી.
બે કપે ચા બને, રોજની ટેવથી,
એકને ઢાંકતું ઢાંકણું, તું નથી.
આયને ચાંદલો એક ચોંટેલ છે,
સાડલા સાથ આ ઓઢણું, તું નથી.
લોક બોલે, ‘સમય રૂઝ લાવે બધે’,
આજ પણ દાઝતું ચાંદણું, તું નથી.
આ પરાગે લખી કેટલી યે ગઝલ,
શબ્દ સળગે, બળે તાપણું, તું નથી.
– પરાગ રતનપરા
#ગઝલ #જુદાઈ #વિરહ #ખાલીપો #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Separation #Grief #Emptiness #MissingYou #ParagRatanpara