તું ખુશ રહે
મારા વિના, મારી સહિત, સંસારમાં તું ખુશ રહે,
આ આંગણે, આ ઓરડે, ઘરબારમાં તું ખુશ રહે.
તારે લલાટે ચાંદલો, ને વેણમાં ફૂલો રહે,
મારી ગઝલના શબ્દના શણગારમાં તું ખુશ રહે.
મારે ભલે આવે ઉદાસી, રાત કાળી, ઝાપટાં,
દીવો બની ઝળહળ ભલે અંધારમાં તું ખુશ રહે.
તારી હથેળીમાં હવે મેંદી પરાયા નામની,
તો પણ દુઆ છે, એ નવા પરિવારમાં તું ખુશ રહે.
સ્વર્ગે ન માગ્યું સ્થાન, બસ માગ્યું પરાગે એટલું:
તારા સુગંધી પ્રેમના દરબારમાં તું ખુશ રહે.
– પરાગ રતનપરા
#ગઝલ #નિઃસ્વાર્થપ્રેમ #દુઆ #અધૂરોપ્રેમ #વિદાય #પરાગરતનપરા
#GujaratiGhazal #UnconditionalLove #BeHappy #LostLove #Blessings #ParagRatanpara