થોરની જાત
અમે તો રણના થોર, ભાઈ, અમને ના પાવું પાણી,
કાંટે કાંટે ફૂલ ઉગાડ્યાં, એવી અમારી વાણી.
ના માળી, ના ક્યારો, ના કોઈ વાડ અમારી ફરતી,
ધોમ ધખે ને લૂ વાય, તોય લીલપ ના ઓસરતી;
કોઈ ન પૂછે, કોઈ ન પોષે, તોય ઊભા અભિમાની…
અમે તો રણના થોર…
બાગનાં ગુલાબ નાજુક, એને છાંયો, ખાતર, પ્હેરો,
અમે તો ઊગ્યા જાતે, ઉપર ખુલ્લો આભનો ચ્હેરો;
ઊંટ ચરે તો ચરવા દઈએ, ફરી ફૂટીએ મનમાની…
અમે તો રણના થોર…
પરાગ કહે: આ જાત અડીખમ, ના માગે કોઈ ટેકો,
આંસુ પણ અંદર સંઘરીને રાખે ભીનો ભેજો;
રણની વચ્ચે લીલું રહેવું, એ જ ખરી કુરબાની…
અમે તો રણના થોર…
– પરાગ રતનપરા